Wednesday, July 9, 2025
More

    રેપિડો ડ્રાઈવરે મહિલા પેસેન્જરને મારી દીધી થપ્પડ, વિડીયો વાયરલ થયા બાદ FIR: બેંગ્લોરનો મામલો, મહિલાએ પહેલાં બે તમાચા માર્યાનો ડ્રાઈવરનો દાવો

    બેંગલુરુના (Bengaluru) જયનગર વિસ્તારમાં 13 જૂન, 2025ના રોજ સવારે 10 વાગ્યે એક એવી ઘટના બની, જેમાં રેપિડો બાઈક ટેક્સી ડ્રાઈવરે (Rapido Driver) એક મહિલા પેસેન્જરને થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં ડ્રાઈવર મહિલાને થપ્પડ મારતો જોવા મળે છે, જેના કારણે તે જમીન પર પડી ગઈ હતી.

    આ ઘટના જયનગરના એક ફૂટવેર શોરૂમ પાસે બની હતી. મહિલાએ ડ્રાઈવર પર રેશ ડ્રાઈવિંગનો આરોપ લગાવ્યો હતો અને ચૂકવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન મહિલાએ પણ ડ્રાઈવર પર હાથ ઉપાડ્યો હતો અને તેનું હેલ્મેટ આપવાનું ના પાડી હતી. અપશબ્દો પણ કહ્યા હોવાનું કહેવાય છે. ત્યારપછી રેપિડો ડ્રાઈવરે મહિલા પર હાથ ઉપાડ્યો હોવાનું સામે આવ્યું છે.

    મહિલાએ શરૂઆતમાં FIR નોંધવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ 16 જૂન, 2025ના રોજ તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રેપિડો ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 115(2), 352 અને 79 હેઠળ FIR નોંધી છે. ડ્રાઇવરને વધુ તપાસ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

    સાઉથ બેંગલુરુના ડીસીપી લોકેશ બી. જગલાસરે જણાવ્યું કે આ ઘટના અંગે પોલીસે FIR નોંધી છે અને તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે બંને પક્ષોના નિવેદનોની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ શરૂઆતમાં ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે તેમની ફરિયાદના આધારે કાર્યવાહી આગળ વધી રહી છે.

    બીજી તરફ, રેપિડો ડ્રાઇવર સુહાસનું કહેવું છે કે, “ટ્રાફિક વધુ હોવાના કારણે મેં અંદરનો રસ્તો લીધો, જેના કારણે મહિલા ગુસ્સે થઈ ગઈ. તેણે મને ગાળો દીધી અને બે વખત તમાચા માર્યા. પછી મારું પણ ગુસ્સા પર નિયંત્રણ ન રહ્યું અને વળતો જવાબ આપ્યો.”