Tuesday, March 4, 2025
More

    દેશભરમાં થયેલી FIRને એક ઠેકાણે ક્લબ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો રણવીર અલાહાબાદિયા, આસામ પોલીસના કેસમાં આગોતરા જામીનની પણ માંગ

    ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’શોમાં કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી મામલે યુટ્યુબર રણવીર અલાહાબાદિયા (Ranveer Allahabadia) વિરુદ્ધ દેશભરનાં વિવિધ રાજ્યોમાં FIR નોંધાઈ છે. આ ફરિયાદોથી રાહત મેળવવા માટે યુટ્યુબરે સુપ્રીમ કોર્ટના (Supreme Court) દરવાજા ખખડાવ્યા છે.

    રણવીરે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ બધી FIRનો એક જ ઠેકાણે સમાવેશ કરવા વિનંતી કરી છે. યુટ્યુબર તરફથી હાજર રહેલા વકીલ અભિનવ ચંદ્રચૂડે CJI સંજીવ ખન્ના સમક્ષ મૌખિક દલીલો રજૂ કરી હતી અને મામલો હાથ પર લેવા માટે અરજ કરી.

    રણવીર તરફથી વકીલે ગુવાહાટી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં આગોતરા જામીનની માંગ કરી છે. દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ અલ્હાબાદિયાની કાનૂની ટીમને માહિતી આપી કે આ મામલો ટૂંક સમયમાં સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે.

    જોકે અરજદારોએ તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી, પરંતુ જસ્ટિસ ખન્નાએ સ્પષ્ટતા કરી હતી કે કેસ માટે તારીખ પહેલાથી જ નક્કી કરવામાં આવી છે અને આ પ્રકારે મૌખિક રજૂઆતોના આધારે કેસ લિસ્ટ કરી શકાય નહીં. વકીલ ચંદ્રચૂડની વિનંતી છતાં કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કાનૂની ટીમને સમયમર્યાદા વિશે વધુ વિગતો માટે કોર્ટ રજિસ્ટ્રીનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.