Friday, March 7, 2025
More

    ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદ મામલે મહિલા આયોગ સમક્ષ હાજર થયા કથિત ઈન્ફ્લુએન્સરો, ભૂલ સ્વીકારીને કહ્યું- હવે આવું નહીં થાય

    તાજેતરમાં જ સમય રૈનાની યુટ્યુબ ચેનલ પર આવતા શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં (India’s Got Latent) મહિલાઓ અંગે થયેલ અભદ્ર ટિપ્પણીઓ મામલે ખૂબ વિવાદ થયો હતો. જે અંગે રણવીર અલ્હાબાદિયા, સમય રૈના, અપૂર્વા માખીજા સહિતના યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તથા રાષ્ટ્રીય મહિલા આયોગે (National Woman Council) આ બાબત પર ત્વરિત કાર્યવાહી કરીને ચારેયને નોટિસ ફટકારી હતી.

    શુક્રવારે (7 માર્ચ) આ તમામ કમિશન સમક્ષ હાજર રહ્યા હતા. જે મામલે પછીથી એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કમિશન ચેરમેને જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, “શોમાં તેમણે જે પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તે એકદમ નિંદનીય છે. કમિશન તેને ક્યારેય સ્વીકારશે નહીં. આવી ભાષા ન તો લોકોને સ્વીકાર્ય છે અને ન તો કમિશનને.”

    વિજયાએ આગળ કહ્યું કે,”તેઓ ગઈકાલે કમિશન સમક્ષ હાજર થયા… તેમણે શોમાં પોતાના શબ્દો પર ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તેમણે આવા શબ્દોનો ઉપયોગ નહોતો કરવો જોઈતો, આ તેમની ભૂલ છે.”

    તેમણે આગળ કહ્યું કે, “બધાએ કમિશન સમક્ષ માફી માંગી. એમ પણ કહ્યું કે તેઓ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં કરે… તેઓ તેમના શબ્દો પર ધ્યાન આપશે જેથી કોઈને દુઃખ ન થાય. તેઓ બોલતા પહેલાં વિચારશે. તેમણે કહ્યું કે આ પહેલી અને છેલ્લી વાર છે જ્યારે તેમણે આવું કર્યું છે.”

    વિજયાએ જણાવ્યું હતું કે, “રણવીર અલ્હાબાદિયા અને અન્ય લોકોએ કહ્યું કે તેમણે જે કહ્યું છે તે પાછું લઈ શકાય નહીં પરંતુ તેઓ શોમાં પોતાના શબ્દો પર ધ્યાન આપવાનો પ્રયાસ કરશે અને મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા માટે શક્ય તેટલું કરશે તથા મહિલાઓના સન્માન અંગેની વાતો કરશે.”