Tuesday, June 24, 2025
More

    કોંગ્રેસશાસિત ઝારખંડમાં ધોળા દિવસે ભાજપ નેતાને બાઈકસવારોએ ધરબી દીધી ગોળીઓ: NDAએ કરી હેમંત સોરેનના રાજીનામાંની માંગ, વિરોધ પ્રદર્શનમાં રાંચી બંધ

    ઝારખંડના (Jharkhand) રાંચીમાં પૂર્વ જિલ્લા પરિષદ સભ્ય અને ભાજપ નેતા અનિલ મહતો ઉર્ફે અનિલ ટાઇગરની (Anil Tiger Murder) ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અનિલ મહતો કાંકે ચોક પાસે એક ચાની કિટલી પર ઉભા હતા ત્યારે તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી. તેમને RIMS ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

    આ મામલે કાર્યવાહી કરતા પોલીસે ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી હતી. તેને પિથોરિયાથી પકડવામાં આવ્યો છે. પોલીસે ગુનામાં વપરાયેલી બાઇક પણ જપ્ત કરી છે. આ ઘટનાનો ઝારખંડના ભાજપ પ્રદેશ અધ્યક્ષે વિરોધ કર્યો હતો.

    તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાંની માંગ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “ગુનેગારો કોઈ પણ ભય વગર જનપ્રતિનિધિઓ પર હુમલો કરી રહ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે, જ્યાં ન તો જનપ્રતિનિધિઓ સુરક્ષિત છે કે ન તો સામાન્ય નાગરિકો.”

    બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ 27 માર્ચની સવારથી જ હેમંત સોરેન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે રાંચીમાં બંધનું એલાન આપ્યું છે, ચક્કા જામ કરી દીધા છે. આ દરમિયાન પોલીસે ભાજપ નેતા પ્રતુલ શાહદેવની અટકાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુનેગારોને પકડવાને બદલે, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા રાજકીય નેતાઓને પોલીસ લઈ જઈ રહી છે”