Sunday, March 9, 2025
More

    ‘લાઉડસ્પીકર વાગ્યું તો હિંદુઓને તગેડી મૂકીશું’: યુપીના રામપુરમાં શિવ ભજન વગાડવા પર મુસ્લિમ ટોળાંનો પૂજારી પર હુમલો, મંદિરમાંથી ખેંચીને માર્યો માર

    ઉત્તર પ્રદેશના રામપુરમાં મંદિરમાં લાઉડસ્પીકર પર ભજન વગાડવાને લઈને હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, રામપુરના સિકંદરાબાદ ગામમાં મુસ્લિમ ટોળાંએ પૂજારી પ્રેમ સિંઘને મંદિરની બહાર ખેંચી લઈને માર માર્યો છે. આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.

    આરોપીઓમાં ભૂરી, તૌફીક, ઇકબાલ, છિદ્દા, ઇઝરાયેલ, શાયદા, શકીલ, મુનસા અલી, ગુલનાઝ અને અનીસ જેવાઓનો સમાવેશ થાય છે. પૂજારીએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, મુસ્લિમોએ ગ્રામપ્રધાન અફસર અલીનો હવાલો આપીને કહ્યું છે કે, ગામમાં તેનું ચાલે છે અને લાઉડસ્પીકર હવે પછી વાગ્યું તો હિંદુઓને ગામમાંથી તગેડી મૂકવામાં આવશે.

    વિવાદની શરૂઆત શિવ ભજન સાથે થઈ હતી. મંદિરના પૂજારીએ દરરોજની જેમ 7 માર્ચના રોજ સાંજે આરતી માટે લાઉડસ્પીકર પર શિવ ભજન શરૂ કર્યું હતું. જે બાદ મુસ્લિમ ટોળાંએ ભજન બંધ કરવાનું કહીને હુમલો કરી દીધો હતો. પૂજારીની ફરિયાદ બાદ પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે.

    જોકે, બીજી તરફ પોલીસે જણાવ્યું છે કે, એક મહિલાએ રમઝાનની નમાજનો અવાજ ન સંભળાતો હોવાથી લાઉડસ્પીકર બંધ કરવાનું કહ્યું હતું. ઇન્સ્પેકટર ઓમકાર સિંઘે જણાવ્યું છે કે, આ બાબતે બોલાચાલી થઈ હતી, પરંતુ મારામારી થઈ નહોતી. તેમ છતાં પૂજારીની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે.