Saturday, March 22, 2025
More

    જેમના હાથે મૂકાઈ હતી રામમંદિરની પહેલી ઈંટ, રામ જન્મભૂમિ ટ્રસ્ટના તે દલિત ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલનું અવશાન: PM મોદીએ વ્યક્ત કર્યો શોક

    રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના (Ram Janmabhoomi Teerth Kshetra Trust) ટ્રસ્ટી અને મંદિરના નિર્માણમાં પહેલી ઈંટ મૂકનાર કામેશ્વર ચૌપાલનું (Kameshwar Choupal) નિધન થયું છે. આજે (7 ફેબ્રુઆરી 2025) તેમણે ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કામેશ્વર ચૌપાલ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. કામેશ્વર ચૌપાલના નિધનથી રાજકીય વર્તુળોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેઓ બિહાર વિધાન પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે.

    PM મોદીએ શોક વ્યક્ત કરતી પોતાની પોસ્ટમાં લખ્યું, “ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલજીના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેઓ ભગવાન રામના પ્રખર ભક્ત હતા જેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું. દલિત પૃષ્ઠભૂમિમાંથી આવતા, કામેશ્વરજીને સમાજના વંચિત સમુદાયોના કલ્યાણ માટેના તેમના કાર્ય માટે હંમેશા યાદ કરવામાં આવશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ!”

    કામેશ્વર ચૌપાલનો જન્મ 24 એપ્રિલ 1956ના રોજ બિહારના સહરસા જિલ્લાના હાલના સુપૌલ જિલ્લાના કમરાલ ગામમાં થયો હતો. તેઓ એક અગ્રણી સામાજિક કાર્યકર અને નેતા હતા જેમણે પોતાનું જીવન સામાજિક અને ધાર્મિક કાર્યમાં સમર્પિત કર્યું. કામેશ્વર ચૌપાલે વનવાસી કલ્યાણ કેન્દ્ર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, વિદ્યાર્થી પરિષદ જેવી સંસ્થાઓ સાથે સહયોગ કરીને સમાજ સેવામાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપ્યું.