રામ મંદિરનું નિર્માણકાર્ય હાલ ગતિમાં છે અને પહેલાં તેને જૂન, 2025 સુધીમાં પૂર્ણ કરવાની ગણતરી હતી, પરંતુ હવે ત્રણેક મહિના આ ડેડલાઈન લંબાવી દેવામાં આવી છે.
મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને પૂર્વ અધિકારી નૃપેન્દ્ર મિશ્રાએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, લેબરની હાલ અછત છે, જેથી બાંધકામ થોડું મોડું પૂર્ણ થઈ શકે છે.
આ સિવાય, મંદિરના પહેલા માળે અમુક પથ્થરો પણ બદલવામાં આવનાર છે, જેમાં પણ સમય લાગશે. બાંધકામ વધુ મજબૂત કરવા માટે અમુક વિશેષ પ્રકારના પથ્થરો ગોઠવવાની વિચારણા ચાલી રહી છે. જે પથ્થરો મંદિરને મળવાના પણ શરૂ થઈ ગયા છે.
તાજેતરમાં જ સમિતિની એક બેઠક પણ મળી હતી, જેમાં બાંધકામ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં મંદિરનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ પરિસર બનાવવામાં આવશે. જાન્યુઆરી, 2024માં મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થયા બાદથી શ્રદ્ધાળુઓ દર્શને આવવાના શરૂ થઈ ગયા છે અને રોજ લાખો લોકો પ્રભુ રામલલાના દર્શન કરી રહ્યા છે.