Saturday, January 11, 2025
More

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ…અયોધ્યામાં આજથી ત્રણ દિવસ થશે ભવ્ય ઉજવણી, મહાઆરતીમાં ભાગ લેશે સીએમ યોગી, સાધુ-સંતોને પણ નિમંત્રણ

    અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી, પરંતુ મંદિર ટ્રસ્ટે વર્ષગાંઠ હિંદુ કેલેન્ડર પ્રમાણે ઉજવવાનું નક્કી કર્યું છે, જે દિવસ 11 જાન્યુઆરીએ (શનિવાર) આવે છે. 

    પ્રતિષ્ઠા દ્વાદશીની ભવ્ય અને દિવ્ય ઉજવણી માટે ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે. જેની શરૂઆત 11 જાન્યુઆરીથી થશે. આ વિશેષ અવસર પર પ્રભુના દર્શન કરવા માટે દેશભરમાંથી લાખો રામભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. 

    આ કાર્યક્રમનો શુભારંભ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે. અયોધ્યા પહોંચીને તેઓ પ્રભુ રામલલાના દર્શન માટે જશે. અહીં ભગવાનનો મહાભિષેક થશે અને ત્યારબાદ આરતી કરવામાં આવશે. શ્રીરામલલાને 56 પ્રકરણ ભોગ અર્પિત કરવામાં આવશે. આ દરમિયાન મંદિરના પૂજારીઓ, સીએમ યોગી અને મોટી સંખ્યામાં સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. 

    આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક જનસભા પણ સંબોધિત કરશે. જેના માટે સાધુ-સંતો અને કલા, સંગીત અને સાહિત્ય જગતની હસ્તીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

    આ કાર્યક્રમો માટે અયોધ્યાને સજાવવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા પણ પૂરતી કરવામાં આવી છે. જે રીતે પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, એ જ રીતે વર્ષગાંઠ પણ ઉજવવામાં આવશે.