Sunday, March 23, 2025
More

    ‘જો સરકાર બદલાઈ તો આવા અધિકારીઓ જેલમાં હશે’: સંભલના CO અનુજ ચૌધરીને સપા સાંસદની ખુલ્લી ધમકી

    હોળી અને જુમ્માની નમાજ અંગે સંભલના CO અનુજ ચૌધરીના (CO Anuj Chaudhry) નિવેદનને સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) રાજ્યસભા સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે (Ram Gopal Yadav) તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે. રામ ગોપાલે કહ્યું છે કે, જો સરકાર બદલાશે તો આવા અધિકારીઓને જેલમાં જવું પડશે.

    સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે દાવો કર્યો હતો કે CO અનુજ ચૌધરી પોતે ‘ગોળી મારો, ગોળી મારો’ કહી રહ્યા હતા. આ ઉપરાંત તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે, “જ્યારે સત્તા પરિવર્તન થશે ત્યારે આવા અધિકારીઓને જેલમાં જવું પડશે.” તેમણે CO પર એકપક્ષીય કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમના ઇરાદા સારા ન હતા, તેથી હિંસા ફાટી નીકળી.

    નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીના નેતાઓ અનુજ ચૌધરીના નિવેદનને માત્ર એકતરફી દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. વાસ્તવમાં સંભલમાં પોલીસ દ્વારા આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં CO અનુજ ચૌધરીએ કહ્યું હતું કે હોળી અને ઈદ દરમિયાન અસામાજિક તત્વોને બક્ષવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઈને રંગોથી સમસ્યા હોય તો તેણે હોળી પર ઘરે જ રહેવું જોઈએ. જો કોઈ કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે તો પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરશે.

    તેમણે એમ પણ કહ્યું હતું કે હિંદુ અને મુસ્લિમ બંને પક્ષોએ એકબીજાનો આદર કરવો જોઈએ અને પરવાનગી વિના કોઈના પર રંગ ન લગાવવો જોઈએ. તેમણે હિંદુ સમાજના લોકોને પણ સૂચના આપી હતી કે જો કોઈ વ્યક્તિ રંગથી બચવા માંગતો હોય તો તેના પર બળજબરીથી રંગ લગાવવો ખોટું હશે.