13 માર્ચની રાત્રે વડોદરાના (Vadodara) રસ્તા પર પૂરપાટ ઝડપે કાર હંકારીને જતા એક નબીરાએ ત્રણ-ચાર વાહનોને અડફેટે લીધાં હતાં, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ મામલે રક્ષિત ચૌરસિયા (Rakshit Chaurasiya) નામના યુવાન સામે કેસ ચાલી રહ્યો છે. તાજેતરમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે કારની ઝડપ 130 કિમી/કલાકની હોવી જોઈએ.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઘટના બાદ ફોક્સવેગનના પુણે સ્થિત પ્લાન્ટના ત્રણ અધિકારીઓ વડોદરા આવીને કારનો ડેટા લઈ ગયા હતા, જે પછીથી કંપની જ્યાંની છે એ જર્મનીમાં મોકલવામાં આવ્યો. અકસ્માત થયો ત્યારે કારનું ડોંગલ રક્ષિતની બાજુમાં બેઠેલા યુવાન પ્રાંશુના મોબાઈલની એક એપ સાથે જોડાયેલું હતું. (કાર પ્રાંશુની હતી.)
ડેટા એનાલિસિસ પરથી જાણવા મળ્યું છે કે અકસ્માત થયો ત્યારે કાર 130ની ઝડપે દોડતી હશે. જોકે આ હજુ મીડિયા અહેવાલોનું તારણ છે, પોલીસ સત્તાવાર માહિતી આપે એની રાહ જોવામાં આવી રહી છે.
નોંધવું જોઈએ કે અકસ્માત સર્જ્યા બાદ રક્ષિતે એમ કહીને બચાવ કર્યો હતો કે ખાડો આવી જવાના કારણે એરબેગ ખુલી ગઈ હતી અને તેના કારણે તેને આગળ કંઈ દેખાયું ન હતું. ઉપરથી કાર ઓટોમેટિક હોવાના કારણે પણ તેને મુશ્કેલી પડી હોવાનું બહાનું કાઢ્યું હતું. પરંતુ યાદ રહે કે કાર હદ કરતાં વધુ ઝડપમાં હોય અને ખાડામાં પડે તો જ એરબેગ ખૂલે છે, વધુમાં ઑટોમેટિક કારમાં કોઈ નવું વિજ્ઞાન આવતું નથી, માત્ર ક્લચની ગેરહાજરી હોય છે. પરંતુ બની શકે કે કાયમ ઓટો ન ચલાવનાર માણસ જો આ પ્રકારની કાર ચલાવે તો બ્રેક-એક્સેલેટરમાં ગફલત કરી નાખે છે.