Monday, June 23, 2025
More

    ‘પાકિસ્તાન જેવા ધૂર્ત દેશના હાથમાં પરમાણુ કેટલાં સુરક્ષિત?’: રક્ષામંત્રી રાજનાથ સિંઘે કહ્યું–આંતરરાષ્ટ્રીય એજન્સીની દેખરેખ હેઠળ રખાય આ હથિયારો

    રક્ષામંત્રી રાજનાથ સિંઘે ગુરુવારે (15 મે) એક અગત્યનું નિવેદન આપતાં કહ્યું કે, પાકિસ્તાન જેવા દેશ પાસે પરમાણુ શસ્ત્રો હોવાં એ ગંભીર બાબત છે અને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ (IAEA) તેનો હવાલો પોતાની પાસે લઈ લેવો જોઈએ. 

    આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ ઠંડો પડ્યો ને વધુ દિવસો થયા નથી. ચર્ચા એવી છે કે ભારતે પાકિસ્તાનની પરમાણુ ફેસિલિટી પર મિસાઈલ મારો કર્યા બાદ પાકિસ્તાન અમેરિકા પાસે જઈને યુદ્ધવિરામ માટે આજીજી કરવા માંડ્યું હતું. ત્યારથી  પાકિસ્તાનનાં ન્યુક્લિયર ઠેકાણાં ચર્ચામાં છે. 

    રાજનાથ સિંઘે કહ્યું કે, “આજે શ્રીનગરની ધરતી પરથી હું આખી દુનિયા સામે એ પ્રશ્ન ઉઠાવું છું કે શું આવા બિનજવાબદાર અને ધૂર્ત દેશના હાથમાં પરમાણુ હથિયારો સુરક્ષિત છે? હું માનું છું કે પાકિસ્તાનનાં પરમાણુ હથિયારોને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીની દેખરેખ હેઠળ લાવવામાં આવવાં જોઈએ. 

    ઉલ્લેખનીય છે કે 1998થી ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ હથિયારો ધરાવતા દેશો છે. જોકે ભારતની નીતિ એક જવાબદાર દેશ તરીકે ‘નો ફર્સ્ટ યુઝ’ની રહી છે. જ્યારે આતંકવાદી દેશ પાકિસ્તાન કાયમ પરમાણુ હુમલાની ધમકીઓ આપતો ફરે છે. જોકે ભારતે તેના એરબેઝ પર પીનપોઇન્ટ સ્ટ્રાઈક કરીને દર્શાવી દીધું હતું કે આવી પોકળ ધમકીઓ હવે કામ આવશે નહીં.