Sunday, March 2, 2025
More

    રક્ષા ખડસેની પુત્રી સાથે દુર્વ્યવહાર, જલગાંવ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં કેન્દ્રીય મંત્રી

    કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની પુત્રી સાથે મહારાષ્ટ્રમાં અમુક યુવકોએ દુર્વ્યવહાર કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મંત્રી અનુસાર તેમની પુત્રી જલગાંવ ખાતે એક મેળામાં ગઈ હતી ત્યારે અમુક યુવકોએ છેડતી કરી હતી. 

    મામલો ધ્યાને આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્વયં ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે પહોંચ્યાં હતાં. જેના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. મંત્રીએ ફરિયાદમાં જણાવ્યું કે તેમની પુત્રી અને તેની સહેલીઓનો અમુક યુવકોએ પીછો કર્યો હતો તેમજ ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ લીધા હતા. 

    રક્ષા ખડસેએ જણાવ્યું કે, તેઓ ગુજરાત હતાં ત્યારે પુત્રીએ અનુમતિ માંગી હતી. તેમણે સુરક્ષા ગાર્ડ અને બે-ત્રણ સ્ટાફ મેમ્બરો સાથે જવાની પરવાનગી આપી હતી. તેમણે કહ્યું કે મારી પુત્રીનો અમુક યુવકોએ પીછો કર્યો અને જ્યારે સ્ટાફે ઠપકો આપ્યો તો તેમની સાથે પણ આરોપીઓએ માથાકૂટ કરી. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું. 

    મંત્રી જ્યારે રવિવારે ઘરે પરત ફર્યાં તો પુત્રીએ જણાવ્યું કે, 24 ફેબ્રુઆરીના રોજ પણ તેની સાથે એક સાર્વજનિક કાર્યક્રમમાં આવી ઘટના બની હતી અને તે પણ આ જ યુવકો હતા. ત્યારબાદ મંત્રી પોલીસ મથકે પહોંચ્યાં અને ફરિયાદ નોંધાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, અમુક સ્થાનિકોએ તેમને જણાવ્યું હતું કે અમુક ટપોરીઓ શાળાએ જતી વિદ્યાર્થિનીઓને પણ હેરાન કરે છે. તેમણે આ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી. 

    બીજી તરફ ઘટના પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સંજ્ઞાન લીધું છે અને જણાવ્યું કે આરોપીઓ કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છે, જેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.