Tuesday, July 15, 2025
More

    SCOની રક્ષામંત્રીઓની બેઠકમાં પહલગામ હુમલાના ઉલ્લેખ વગર સંયુક્ત નિવેદન જારી કરવા માંગતા હતા ચીન-પાકિસ્તાન, રાજનાથ સિંઘે હસ્તાક્ષર કરવાનો કરી દીધો ઇનકાર 

    શંઘાઈ કો-ઑપરેશન ઓર્ગેનાઇઝેશનની (SCO) રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચીન પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંઘે એક જોઇન્ટ ડેક્લેરેશન દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી હતી. કારણ એ હતું કે તેમાં પાકિસ્તાનની આતંકવાદી કરતૂતોનો ઉલ્લેખ ન હતો, પરંતુ બલૂચિસ્તાન મુદ્દો સમાવવામાં આવ્યો હતો. 

    જાણવા મળ્યું છે કે ચીન અને પાકિસ્તાને પહલગામના આતંકવાદી હુમલાનો ઉલ્લેખ ટાળી દીધો હતો, પણ તેના પહેલાં પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ હાઇજેક કરવામાં આવી હતી, તે લખ્યું હતું. 

    ભારત તરફથી રક્ષામંત્રીએ પહલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો અને ક્રોસ બોર્ડર ટેરેરિઝમ સામે ભારતનું મજબૂત વલણ પણ રજૂ કર્યું. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતનું સ્ટેન્ડ નબળું પાડતા કોઈ પણ દસ્તાવેજ પર તેઓ હસ્તાક્ષર કરશે નહીં. 

    સરકારે જણાવ્યું કે, જોઇન્ટ ડોક્યુમેન્ટની જે ભાષા હતી, તે ભારતને પસંદ ન આવી. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો તેમાં કોઈ ઉલ્લેખ ન હતો, પણ પાકિસ્તાનમાં જે ઘટનાઓ બની તેનો ઉલ્લેખ જોવા મળ્યો. તેના કારણે ભારતે જોઇન્ટ ડેક્લેરેશન પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી. 

    SCO એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેના દસ દેશો સભ્ય છે. દર વર્ષે એક વખત તેની બેઠક થાય છે.