Monday, March 3, 2025
More

    ‘શસ્ત્રનું પૂજન કરવું સ્પષ્ટ સંકેત છે કે જરૂર પડ્યે તેનો પૂરેપૂરી શક્તિ સાથે ઉપયોગ કરવામાં આવશે’: રાજનાથ સિંઘ 

    શનિવારે (12 ઑક્ટોબર) વિજયાદશમીના દિવસે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંઘે પરંપરા અનુસાર શસ્ત્રપૂજા કરી હતી. દાર્જિલિંગમાં યોજાયેલા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા.

    શસ્ત્રપૂજન બાદ રાજનાથ સિંઘે કહ્યું કે, શસ્ત્રની પૂજા કરવી એ સ્પષ્ટ સંકેત છે કે જરૂર પડ્યે તેનો પૂરેપૂરી શક્તિથી ઉપયોગ કરવામાં આવે. 

    તેમણે ઉમેર્યું કે, આમ તો દરેક સરહદ પર ભારતે જે રીતે સેના તહેનાત કરી છે તેને જોતાં ક્યાંય કોઈ ઘટનાની સંભાવના દેખાય રહી નથી. તેમ છતાં પાડોશીઓની કોઈ હરકતની સંભાવનાઓ નકારી શકાય નહીં. છતાં અમે બહુ સ્પષ્ટ છીએ કે કોઈ પણ રીતે ક્યાંય તૈયારીઓમાં ખામી રાખવાની નથી. 

    દશેરાને લઈને તેમણે કહ્યું કે આ અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે. રાવણ અધર્મ અને અસત્યનો પ્રતીક હતો અને ભગવાન રામ તેની સામે લડી રહ્યા હતા. ભગવાન રામે ઘૃણા કે વ્યક્તિગત શત્રુતાના કારણે નહીં પણ રાવણ માનવીય મૂલ્યોની વિરુદ્ધ હોવાના કારણે યુદ્ધ કર્યું હતું. 

    તેમણે કહ્યું કે, ભગવાન રામની આ જ પ્રેરણા ભારતની સેનાએ પણ લીધી છે. ભારતે ક્યારેય કોઈ દેશ સામે આક્રમણ નથી કર્યું, પણ જ્યારે કોઈએ ધર્મ, સત્ય કે માનવીય મૂલ્ય વિરુદ્ધ કામ કર્યું હોય તો જ જવાબ આપ્યો છે.