Thursday, June 19, 2025
More

    ‘વિધર્મી અને પરપ્રાંતીય લોકોને નહીં મળે ઘર’: રાજકોટની સૌથી જૂની અને પોશ સોસાયટી વર્ધમાન નગરમાં લાગ્યા પોસ્ટર, કહ્યું- ઘટી રહ્યું છે અમારા વિસ્તારનું મહત્વ

    રાજકોટમાંથી (Rajkot) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર રાજકોટના વર્ધમાન નગરમાં (Vardhman Nagar) વિધર્મીઓ અને પરપ્રાંતીઓને ભાડે કે વેચાતા મકાન ન આપવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી અને બંગાળી ભાષામાં નોટિસ લખવામાં આવી છે.

    સોસાયટીના અગ્રણી લોકોનો દાવો છે કે દલાલો વિધર્મીઓને અને પરપ્રાંતીય લોકોને મકાન આપે છે. નોંધનીય છે કે વર્ધમાન નગર સોસાયટી રાજકોટની સૌથી પોશ અને જૂની ગણાતી સોસાયટી છે. આ મામલે સંદેશ ન્યુઝ સાથે વાત કરતા સોસાયટીના સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “પરપ્રાંતીય લોકોના કારણે તેમના વિસ્તારનું મહત્વ ઓછું થયું છે.”

    તેમના જણાવ્યા અનુસાર દલાલો દલાલી ખાવા માટે વિધર્મી અને અન્ય પ્રાંતોના લોકોને મકાન ભાડે કે વેચતા આપે છે જેના કારણે સ્થાનિકોને મુશ્કેલી પડે છે. સ્થાનિક લોકોએ આ પહેલાં પણ આવા સોદા રદ્દ કરાવેલા છે, તથા બોર્ડના માધ્યમથી દલાલોને પણ ચેતવણી આપી છે.

    સ્થાનિકોએ જણાવ્યું હતું કે દલાલો અને ત્યાં કારખાનાઓમાં કામ કરતા લોકોએ તેમની સોસાયટીના રસ્તાને અવરજવરનું માધ્યમ બનાવી દીધું છે જેના કારણે તેમને મુશ્કેલીઓ પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે તેમને માત્ર વિધર્મી અને અન્ય પ્રાંતોના લોકો સામે જ વાંધો છે, બાકી બીજી કોઈ જ્ઞાતિ-જાતિના લોકોથી કોઈ મુશ્કેલી નથી.