રાજકોટના (Rajkot) એક ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીએ (Student) આપઘાત કરી લીધાના બનાવે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. મૃતકનો અંતિમ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વિડીયોમાં તે મૃત્યુ માટે શિક્ષકોને જવાબદાર ઠેરવે છે અને કહે છે કે તેની ભૂલ ન હતી છતાં તેના શિક્ષકોએ પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી.
બાળકની ઓળખ ધ્રુવિલ વરુ (11 વર્ષ) તરીકે થઈ છે. શનિવારે (19 ઑક્ટોબર) બપોરે તેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એક સ્યુસાઇડ નોટ લખ્યા બાદ તેણે વિડીયો પણ બનાવ્યો હતો. જેમાં ત્રણ શિક્ષકોની ધમકીથી ત્રાસીને અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું કહ્યું હતું.
તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘મારો કોઈ વાંક ન હતો. ટીચરને સાબિત કરીને પણ આપ્યું હતું કે મેં પેપર ઘરે નથી લખ્યું, તોપણ તેમણે પોલીસની ધમકી આપી અને આવું પહેલી વખત નથી. અગાઉ પણ પોલીસની ધમકી આપી હતી.’
વિદ્યાર્થીએ લખ્યું છે કે, “જો મેં આ પગલું ન ભર્યું હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. હું ત્યાં ન રહી શકું. મેં સરને સમજાવવાના ખૂબ પ્રયાસ કર્યા, પણ મારા ઉપર તેઓ પોલીસ કેસ કરવાના છે, તેથી મેં આ પગલું ભર્યું છે.”
આ મામલે DEOએ તપાસના આદેશ આપ્યા છે અને રવિવારે ત્રણ શિક્ષકોનાં નિવેદનો પણ નોંધવામાં આવશે. પોલીસ કાર્યવાહી અંગે હજુ કોઈ જાણકારી નથી.