Friday, April 11, 2025
More

    ગુજરાતમાં શરૂ થયો બોમ્બ બ્લાસ્ટની ધમકીઓનો દોર: જુમ્માના દિવસે પાટણ અને રાજકોટ કલેક્ટર કચેરીને મળ્યા હતા ધમકીભર્યા ઇમેઇલ

    શુક્રવાર, 11 એપ્રિલના દિવસે ગુજરાત માટે દિવસ જરા ભારે રહ્યો. આ એક જ દિવસમાં ગુજરાતની 2 મોટી કલેક્ટર કચેરીઓમાં (પાટણ અને રાજકોટ) (Patan Rajkot Collector’s Office) બોમ્બ હોવાની ધમકીઓ (Bomb Threat) મળી હતી. જો કે તપાસ બાદ કોઈ શંકાસ્પદ સામગ્રી ના મળતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

    અહેવાલો મુજબ પાટણ અને રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બન્ને કલેક્ટર કચેરીઓના ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. સરકારી ઓફિસને બોમ્બની ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

    અગમચેતીના ભાગરૂપે કચેરીઓમાંથી તમામ કર્મચારીઓને બહાર નીકળી લેવામાં આવ્યા હતા. બાદમાં પોલીસ, બોમ્બ ડિસપોસાલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે સ્થળ તપાસ આદરી હતી. રાહતના સમાચાર એ છે કે હજુ સુધી અહીંથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી.

    નોંધનીય છે કે ગુરુવારે (10 એપ્રિલ) વડોદરા સ્થિત GIPCL કંપનીને પણ આ જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યાં પણ પૂરતી તપાસ કરવામાં આવી હતી અને આખરે કોઈ વિસ્ફોટક ના મળતા ધમકી ખોટી સાબિત થઈ હતી.