Saturday, February 22, 2025
More

    સમૂહલગ્નમાં 28 જાન માંડવે આવી અને આયોજકો ગાયબ: પોલીસે લગ્નવિધિ કરાવી નવદંપતીને આપ્યા આશીર્વાદ, લાગ્યા ‘રાજકોટ પોલીસ ઝિંદાબાદ’ના નારા

    રાજકોટ શહેરમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતાં ભારે વિવાદ ઊભો થયો હતો. 28 જાન માંડવે પહોંચી હતી, પરંતુ આયોજકો જ ફરાર થઈ ગયા હતા. જેના કારણે વરવધૂ અને તેમના પરિજનો મુશ્કેલીમાં મુકાયા હતા. લગ્નના સ્થળે પણ કોઈ વ્યવસ્થા નહોતી. જેના કારણે જાન લીલા તોરણે જ પરત ફરવા લાગતાં કન્યાઓ રડી પડી હતી.

    બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતા રાજકોટ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ સાથે જ પોલીસે લગ્નવિધિ સંપન્ન કરાવવાની જવાબદારી પણ લીધી હતી. પોલીસે લગ્નવિધિ શરૂ કર્યા બાદ આયોજકો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરી હતી. નોંધવા જેવું છે કે, ઋષિવંશી સમાજના નામે 28 સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે આયોજકોએ બધા પરિવાર પાસેથી ₹15થી 40 હજાર ઉઘારવી લીધા હતા.

    જોકે, વિવાદ વધતાં મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાએ સ્ટેટ્સ મૂકીને તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. પોલીસે હાલ ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. બીજી તરફ ઘટનાની જાણ થયા બાદ શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને તમામ વરવધૂને કરિયાવર આપવાની જાહેરાત કરી હતી.