Thursday, April 24, 2025
More

    પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર હશે કેરળ ભાજપના નવા અધ્યક્ષ: ટૂંક સમયમાં થશે આધિકારિક જાહેરાત

    પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર કેરળ ભાજપના આગલા અધ્યક્ષ બની શકે છે. તેમણે રવિવારે (23 માર્ચ) અધ્યક્ષ પદ માટે નામાંકન પત્ર દાખલ કર્યો છે. તેઓ આ પદ માટે નામાંકન દાખલ કરનારા એકમાત્ર ઉમેદવાર છે. તેથી તેમણે કેરળ ભાજપના અધ્યક્ષ તરીકે નિર્વિરોધ ચૂંટી શકાય એમ છે. જોકે, આધિકારિક ઘોષણા સોમવારે સવારે 11 કલાકે પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સ બાદ કરવામાં આવશે.

    પૂર્વ કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખરે ભાજપ કોર કમિટીની બેઠક બાદ પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. હવે કેરળમાં પાર્ટના સંગઠનાત્મક ચૂંટણીઓ માટેના પ્રભારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સોમવારે આધિકારિક રીતે ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત કરશે.

    કેરળ ભાજપના વર્તમાન અધ્યક્ષ કે. સુરેન્દ્રનનો કાર્યકાળ પહેલાં જ સમાપ્ત થઈ ચૂક્યો છે. જેથી હવે નવા અધ્યક્ષ તરીકે રાજીવ ચંદ્રશેખર લગભગ નક્કી થઈ ચૂક્યા છે. માત્ર આધિકારિક ઘોષણા બાદ તેઓ સત્તાવાર પદ ધારણ કરશે અને રાજ્ય ભાજપ માટે કામ કરશે.