રાજસ્થાનમાં એક પતિએ પોતાની જ પત્ની પર ગેરરીતિ આચરીને સરકારી નોકરી લીધી હોવાના આરોપો લગાવ્યા છે. આરોપ બાદ પત્નીને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો. વાસ્તવમાં બન્યું એવું કે નોકરી મળ્યા બાદ પત્ની તેના પતિથી અલગ થઈ ગઈ હતી, જેની રીસ રાખીને પતિએ તેનો ભાંડો ફોડી નાખ્યો અને નોકરીમાંથી કઢાવી નાખી.
આ ઘટના રાજસ્થાનના કોટાની છે. અહીં એક વ્યક્તિએ પત્રકાર પરિષદ યોજીને આરોપ લગાવ્યા હતી કે રેલવે વિભાગમાં કામ કરી રહેલી તેની પત્નીએ ડમી ઉમેદવાર બેસાડીને પરીક્ષા પાસ કરી હતી. ફરિયાદી પતિએ તેઓ પણ દાવો કર્યો છે કે સિલેકશન અને ભરતી કરાવવા માટે તેણે જ એજન્ટ મારફતે 15 લાખ રોકડા રૂપિયા આપ્યા હતા.
દાવો તેવો પણ કરવામાં આવી રહ્યો છે કે પતિએ તેની જમીન ગિરવી રાખીને પત્નીને સરકારી નોકરી અપાવી હતી. પોતાની જ પત્નીનો ભાંડો ફોડવા પાછળનું કારણ જણાવતાં ફરિયાદીએ કહ્યું હતું કે, નોકરી મળ્યા બાદ 5 મહિનામાં જ તેની પત્નીએ તેને છોડી દીધો હતો અને અલગ રહેવા લાગી હતી. આરોપ છે કે પત્ની લગભગ 2 વર્ષથી તેના પતિથી અલગ રહી રહી છે.
બીજી તરફ પીડિત પતિએ રેલવે પર પણ નિષ્ક્રિયતાના આરોપ લગાવ્યા છે. તેનું કહેવું છે કે, તેણે આ મામલે રેલવે ભરતી બોર્ડ વિભાગને અનેક વાર માહિતી આપી અને ફરિયાદ કરી, તેમ છતાં તેની વાતને રલવે દ્વારા સાંભળવામાં ન આવી. બીજી તરફ આખી ઘટના સામે આવ્યા બાદ રેલવે વિભાગે જણાવ્યું છે કે આ મામલે સંબંધિત કર્મચારને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને તેના વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે.