Sunday, March 9, 2025
More

    રાજસ્થાનના બાંસવાડામાં 45 પરિવારોની સનાતનમાં ઘરવાપસી, 30 વર્ષ પહેલાં ‘લાલ પાણી’ પીવડાવીને બનાવાયા હતા ખ્રિસ્તી: સ્થાનિક ચર્ચને મંદિરમાં બદલવાની તૈયારી

    રાજસ્થાનના બાંસવાડામાં આવેલા સોડલદૂધા ગામના 45 પરિવારોએ એક સાથે ઘરવાપસી કરી છે. હવે ત્યાંની ચર્ચને પણ મંદિરમાં બદલવાની તૈયારી કરવામાં આવી રહી છે. તે મંદિરમાં ભૈરવનાથ, ભગવાન રામ વગેરે દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ગામની ચર્ચના પાદરી સહિત લગભગ 45 જેટલા ખ્રિસ્તી પરિવારોએ ઘરવાપસી કરી છે.

    આજથી 30 વર્ષ પહેલાં ગામના ગૌતમ ગરાસિયા ખ્રિસ્તી બન્યા હતા. તેમને ‘સારા દિવસો’ અને આર્થિક સદ્ધરતાની લાલચ આપીને ‘લાલ પાણી’ પીવડાવીને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. ધીરે-ધીરે તેમની સાથે ગામના 45 પરિવારો પણ ખ્રિસ્તી બની ગયા હતા. ત્યારબાદ ગામમાં મિશનરીઓએ ચર્ચ બનાવીને ગૌતમને પાદરી બનાવ્યા હતા અને 1500 રૂપિયા મહિને વેતન પણ આપતા હતા.

    જોકે, હવે તે 45 પરિવારોએ ફરીથી હિંદુ ધર્મમાં વાપસી કરી છે અને ચર્ચને પણ મંદિરમાં બદલવાનું કામ શરૂ કરી દીધું છે. ઘણા રિપોર્ટ્સમાં 30-35 પરિવારોએ ઘરવાપસી કરી હોવાનું કહેવાય રહ્યું છે. પરંતુ સ્થાનિક ગૌતમના જણાવ્યા અનુસાર, ધીરે-ધીરે ગામના તમામ લોકો ફરીથી હિંદુ ધર્મમાં વાપસી કરશે અને મંદિરમાં પૂજા-અર્ચના પણ કરશે.