તાજેતરમાં ફિલ્મ ‘પુષ્પા-2’ને (Pushpa 2 The Rule) ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મને લોકોએ ખૂબ પસંદ પણ કરી છે અને માત્ર કેટલાક દિવસોમાં જ તે ફિલ્મે કરોડોની કમાણી પણ કરી લીધી છે. પરંતુ હવે પુષ્પા-2 ફિલ્મના મેકર્સને ધમકી આપવામાં આવી છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે (Raj Shekhawat) મેકર્સને ધમકી (Threat) આપી છે.
રાજ શેખાવતે પુષ્પા-2 ફિલ્મના મેકર્સને ધમકી આપી છે. તેમનો આરોપ છે કે, ફિલ્મમાં ક્ષત્રિયોનું અપમાન થયું છે. તેમનો દાવો છે કે, ફિલ્મમાં એક ક્ષત્રિય પાત્રને ખરાબ રીતે દર્શાવવામાં આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડીયો પોસ્ટ કરીને ધમકી આપી છે.
તેમણે કહ્યું છે કે, “તાજેતરમાં ‘પુષ્પા-2 ધ રૂલ’ નામની એક ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં એક વખત ફરી ક્ષત્રિય સમાજનું ઘોર અપમાન કર્યું છે. ક્ષત્રિય સમાજની શેખાવત જાતિને નિમ્ન સ્તરે ચિત્રિત કરવામાં આવી. અભિવ્યક્તિની આઝાદીના નામે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા વર્ષોથી ક્ષત્રિયોને બદનામ કરી રહ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “આજે પણ ઇન્ડસ્ટ્રીએ ક્ષત્રિયોને બદનામ કર્યા છે. તો ફિલ્મ નિર્માતા કાન ખોલીને સાંભળી લો, વહેલી તકે શેખાવત શબ્દને હટાવો. નહીં તો કરણી સેના ઘરમાં ઘૂસીને ઠોકાઈ કરશે અને જરૂર પડી તો કોઈપણ હદ સુધી કરણી સેના જશે.”