Friday, March 14, 2025
More

    પોર્નોગ્રાફી રેકેટ કેસમાં રાજ કુંદ્રાને EDનું સમન, 2 દિવસ પહેલાં એજન્સીએ પાડ્યા હતા દરોડા

    પોર્નોગ્રાફી કેસમાં ઘરે અને અન્ય ઠેકાણાં પર EDના દરોડા પડ્યા બાદ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને EDએ સમન મોકલ્યું છે. તેમને સોમવારે (2 ડિસેમ્બર) સવારે 11 કલાકે EDની મુંબઈ સ્થિત ઑફિસે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં જ તેમના મુંબઈનાં અમુક ઠેકાણે એજન્સીએ દરોડા પાડ્યા હતા અને પોર્નોગ્રાફિક મટીરીયલ બનાવીને વેચવા મામલે નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસ હાથ ધરી હતી. હવે પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું છે. 

    આ પહેલાં જુલાઈ, 2021માં મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની આ જ કેસમાં ધરપકડ કરી હતી. બે મહિના જેલમાં રહ્યા બાદ સપ્ટેમ્બરમાં કોર્ટે તેમને જામીન આપ્યા હતા. બીજી તરફ, કુંદ્રાએ સતત આ આરોપો નકાર્યા છે. 

    ED આ પહેલાં બિટકોઈન પોન્ઝી સ્કીમ સંબંધિત એક મની લોન્ડરિંગ કેસમાં પણ તેમની સામે કાર્યવાહી કરી હતી અને ₹98 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી હતી.