Wednesday, March 26, 2025
More

    ‘પ્રયાગરાજ જંકશન બંધ હોવાની અફવા પર ધ્યાન ન આપો’: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની શ્રદ્ધાળુઓને અપીલ

    પ્રયાગરાજમાં મહાકુંભ (Prayagraj Mahakumbh 2025) ચાલી રહ્યો હોવાથી આવાગમનને લઈને ઘણી ભ્રામક માહિતીઓ સામે આવી રહી છે, ત્યારે આ મામલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) નિવેદન આપીને લોકોને અફવા પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. ઉપરાંત તેમણે સુવિધામાં વધારો કર્યો હોવાની પણ માહિતી આપી હતી.

    તેમણે કહ્યું હતું કે, “રેલવે અને વહીવટીતંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છે, 8 સ્ટેશનો પર રેલવેનું કામ ચાલી રહ્યું છે, ગઈકાલે પ્રયાગરાજથી 330 ટ્રેનો રવાના થઈ…” તેમના જણાવ્યા અનુસાર, 12.5 લાખ તીર્થયાત્રીઓને સુવિધા આપવામાં આવી હતી. આ સિવાય આજે 130 ટ્રેનો રવાના થઈ ચૂકી હોવાની માહિતી આપી હતી.

    તેમણે કહ્યું હતું કે, “મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પછી, યુપી ભાજપ સંગઠન મહાસચિવ ધર્મપાલ સિંઘ અને પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ કુંભના માર્ગમાં ફસાયેલા મુસાફરોની સુવિધા માટે રાજ્ય મહાસચિવોને જવાબદારી સોંપી છે.”

    તેમના જણાવ્યા અનુસાર, મુસાફરોને ભોજન અને નાસ્તાની સાથે જરૂરી સુવિધાઓ પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને રાજ્ય મહાસચિવ સંગઠન ધરમપાલ સિંઘ સતત તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અપીલ કરી હતી કે, “પ્રયાગરાજ જંકશન યોગ્ય રીતે કાર્યરત છે. જંકશન બંધ હોવાની અફવા પર વિશ્વાસ ન કરો.”