Thursday, July 10, 2025
More

    યાત્રીઓ માટે ખુશખબર, હવેથી 8 કલાક પહેલા રેલવે જાહેર કરશે રિઝર્વેશન ચાર્ટ: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી લીલી ઝંડી, 1 જુલાઈથી લાગુ થશે નવા નિયમ

    રેલ્વે મુસાફરી કરતા યાત્રીઓ માટે રેલ્વે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે બોર્ડ (Railway Board) દ્વારા રેલ્વેમાં તત્કાલ ટિકિટ બુકિંગ વ્યવસ્થામાં (Ticket Reservation) ફેરફાર કરવા અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો, જેને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) દ્વારા મંજુર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા લીલી ઝંડી મળતા જ હવે તત્કાલ બુકિંગમાં કરાયેલ ફેરફારો અને નિયમોનો અમલ જુલાઈ મહિનાની 1લી તારીખથી જ અમલમાં મૂકી દેવામાં આવશે.

    તત્કાલ ટિકિટ બુકિંગના નવા નિયમો મુજબ હવેથી મુસાફર દ્વારા કરવામાં આવેલ ટ્રેન બુકિંગનો રિઝર્વેશન ચાર્ટ 8 કલાક પહેલા જ જાહેર કરી દેવામાં આવશે. જેનાથી મુસાફરોને ટિકિટ કન્ફર્મ છે કે નહિ તેની જાણકારી વહેલી મળી મળશે અને ટિકિટ કન્ફર્મ ન હોય તો તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનો સમય પણ મળી રહેશે. આ પહેલાના જુના નિયમ મુજબ યાત્રીઓની ટિકિટ રિઝર્વેશનની માહિતી દર્શાવતો ચાર્ટ ટ્રેનના ઉપડવાના 4 કલાક પહેલા જાહેર કરાતો હતો. જેનાથી મુસાફરોને પ્રવાસની નિશ્ચિત સ્થિતિ જાણવા માટે છેલ્લી ક્ષણ સુધી રાહ જોવી પડતી હતી. ટીકીટ કન્ફર્મ ન થાય તો સમયના અભાવે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પણ મુશ્કેલી પડતી હતી.

    આ ઉપરાંત રેલ્વેના નવા નિયમો મુજબ હવેથી મુસાફરે ફરજીયાતપણે પોતાનું આધારકાર્ડ IRCTC પ્રોફાઈલ સાથે લીંક કરવું પડશે, સાથે IRCTCની પ્રોફાઈલ પણ અપડેટ કરવી પડશે. જો IRCTCની પ્રોફાઈલ અપડેટ નહિ કરાયેલ હોય તો તત્કાલ ટિકિટ બુકિંગ વિશેની માહિતી મેળવી શકાશે નહિ.