મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ફરી એક વખત ભાજપ ધારાસભ્ય રાહુલ નાર્વેકરની જ વરણી કરવામાં આવશે. તેમણે અધ્યક્ષ પદની ચૂંટણી માટે નામાંકન કર્યું હતું. તેમની સામે વિપક્ષે કોઈ ઉમદવારી ન કરતાં હવે સોમવારે (9 ડિસેમ્બર) તેમને અધ્યક્ષ ઘોષિત કરવામાં આવશે.
રાહુલ નાર્વેકરે ભાજપ તરફથી સ્પીકર પદ માટે ઉમેદવારી કરી હતી, જેને મહાયુતિની સહયોગી પાર્ટીઓ શિવસેના અને NCPએ સમર્થન આપ્યું હતું. બીજી તરફ, વિપક્ષ પાસે આંકડા જ ન હોવાથી તેમણે કોઈ ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા.
મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિ પાસે 288માંથી 230 ધારાસભ્યો છે. આ સંજોગોમાં વિપક્ષ ફોર્મ પણ ભરે તોપણ તેમની જીતની સંભાવના શૂન્ય હતી. જેથી તેમણે ફોર્મ જ ભર્યું નથી. સોમવારે અધિકારિક રીતે રાહુલ નાર્વેકરને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર ચૂંટવામાં આવશે. એ પણ ઉલ્લેખનીય છે કે નાર્વેકર શિંદે સરકારમાં પણ સ્પીકર રહી ચૂક્યા છે.
બીજી તરફ, વિપક્ષે ઔપચારિક રીતે વિપક્ષ નેતા અને ડેપ્યુટી સ્પીકરના પદની માંગ કરી છે. જે મામલે પણ સોમવારે જ નિર્ણય થશે. સત્તાવાર રીતે તો વિપક્ષની કોઈ પાર્ટી પાસે વિપક્ષનું પદ મેળવવા જેટલી પણ બેઠકો નથી.