Monday, February 3, 2025
More

    ‘રાહુલ ગાંધી જાણી જોઈને બોલ્યા છે જુઠ્ઠું’: ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણના આમંત્રણ મામલે એસ. જયશંકરે કર્યા વિપક્ષ નેતા પર પ્રહાર

    વિદેશમંત્રી એસ. જયશંકરે (S Jaishankar) વિપક્ષ નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવેદન પર તીક્ષ્ણ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ સત્તા પક્ષ પર એવો આરોપ લગાવ્યો હતો કે, સરકારે એસ જયશંકરને ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump) શપથગ્રહણનું આમંત્રણ લેવા માટે અમેરિકા મોકલ્યા હતા.

    આ મામલે વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “ડિસેમ્બર 2024માં મારી અમેરિકા મુલાકાત વિશે વિપક્ષી નેતા રાહુલ ગાંધી જાણી જોઈને ખોટું બોલ્યા.”

    તેમણે આગળ લખ્યું કે, “હું બાયડન વહીવટીતંત્રના સેક્રેટરી ઑફ સ્ટેટ અને NSAને મળવા ગયો હતો. સાથે જ આપણા કોન્સ્યુલ જનરલોની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. મારા પ્રવાસ દરમિયાન, આગામી NSA-નિયુક્ત વ્યક્તિએ મારી સાથે મુલાકાત કરી હતી.”

    તેમણે રાહુલ ગાંધીના દાવાને સંપૂર્ણ રીતે નકારી દીધો હતો. તથા લખ્યું કે, “પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા અંગે કોઈપણ સ્તરે ચર્ચા થઈ ન હતી. આપણા વડાપ્રધાન આવા કાર્યક્રમોમાં ભાગ લેતા નથી તે સર્વવિદિત છે. વાસ્તવમાં, ભારતનું પ્રતિનિધિત્વ સામાન્ય રીતે ખાસ દૂતો દ્વારા કરવામાં આવે છે.”

    તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, “રાહુલ ગાંધીના જુઠ્ઠાણાંનો હેતુ રાજકીય હોય શકે છે. પરંતુ તેઓ વિદેશમાં દેશને નુકસાન પહોંચાડે છે.”

    રાહુલ ગાંધીએ લોકસભાના સત્ર દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે, “જો આપણી પાસે સારી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોત તો વિદેશમંત્રીએ આટલી વાર અમેરિકા જઈને રાષ્ટ્રપતિના શપથગ્રહણમાં PMને સામેલ કરવાની વિનંતી ન કરવી પડતી.”