Wednesday, April 23, 2025
More

    વીર સાવરકર વિશે અપમાનજનક ટિપ્પણીઓ મામલે રાહુલ ગાંધીને પુણે કોર્ટનાં સમન્સ, 23 ઑક્ટોબરે હાજર રહેવા આદેશ

    વીર સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ મામલે ચાલતા કેસમાં પુણેની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. જે અનુસાર, તેમણે 23 ઑક્ટોબરના રોજ કોર્ટમાં હાજર થવું પડશે. 

    આ મામલે સાવરકરના વંશજ સત્યકી સાવરકરે પુણેની કોર્ટ સમક્ષ રાહુલ ગાંધી સામે માનહાનિની ફરિયાદ કરી હતી, જે મામલે કેસ ચાલી રહ્યો છે. સત્યકી સાવરકરના ભાઈના પૌત્ર છે. 

    એપ્રિલ, 2023માં તેમણે એક ફરિયાદ કરતાં રાહુલ ગાંધી પર વિનાયક સાવરકર વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ટિપ્પણીઓ 5 માર્ચ, 2023ના રોજ રાહુલ ગાંધીને UK યાત્રા દરમિયાન કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. 

    ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, “રાહુલ ગાંધીએ સાવરકર વિરુદ્ધ જાણીજોઈને આ ખોટા, દુર્ભાવનાથી પ્રેરિત અને તથ્યવિહીન આરોપો લગાવ્યા હતા અને તેઓ જાણતા હતા કે આ આરોપોમાં કોઈ સત્ય નથી પરંતુ તેમ છતાં વિનાયક સાવરકરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે અને સાવરકર અટકની બદનામી માટે તેમજ સાવરકરના પરિજનોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે આ ટિપ્પણીઓ કરી હતી.”

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અવારનવાર વીર સાવરકર વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા રહેતા હોય છે. એક વખત તેમણે કહ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધી છે, રાહુલ સાવરકર નહીં. ત્યારબાદ દેશમાંથી ઘણાએ કહ્યું હતું કે, સાવરકર બનવાની તેમની લાયકાત પણ નથી!