Saturday, April 19, 2025
More

    ‘ગાંધી ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યા હતા, રાહુલ ગાંધી વેસ્ટ ઇન્ડિયા સામે લડી રહ્યા છે’: ગુજરાતની ધરતી પર યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં પશ્ચિમી રાજ્યો સામે લડવાનું એલાન

    અમદવાદમાં યોજાયેલા કોંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં બોલતી વખતે પાર્ટીના યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બીવી શ્રીનિવાસે વિવાદાસ્પદ નિવેદન આપી દીધું. તેમણે કહ્યું કે, મોહનદાસ ગાંધી ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યા હતા અને રાહુલ ગાંધી વેસ્ટ ઇન્ડિયા સામે લડી રહ્યા છે. 

    શ્રીનિવાસે કહ્યું કે, “મહાત્મા ગાંધીજીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ લડાઈ લડી. આદરણીય આપણા નેતા રાહુલ ગાંધી વેસ્ટ ઇન્ડિયા સામે લડાઈ લડી રહ્યા છે. આ બે લોકો છે, જેઓ દેશ વેચવાનું કામ કરી રહ્યા છે.” આગળ તેઓ કહે છે કે રાહુલ ગાંધી બંધારણ બચાવવાનું કામ કરી રહ્યા છે. 

    ગુજરાતની ધરતી પર આવીને ગુજરાત અને અન્ય રાજ્યો જે પ્રદેશમાં સ્થિત છે એ પશ્ચિમ સામે જ લડવાની વાત કરનાર કોંગ્રેસ નેતાની વાત પકડીને હવે ભાજપે પ્રશ્નો કરવા માંડ્યા છે. 

    ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ લખ્યું કે, રાહુલ ગાંધીના રાઇટ હેન્ડ શ્રીનિવાસ બીવીએ કહ્યું કે, ગાંધી ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યા હતા અને રાહુલ ગાંધી વેસ્ટ ઇન્ડિયા સામે લડે છે. કોંગ્રેસ ગુજરાતમાં જઈને ગુજરાતને જ કઈ રીતે બદનામ કરી શકે? કોંગ્રેસની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ ફરી છતી થઈ ગઈ છે.