Saturday, January 11, 2025
More

    વીર સાવરકરના અપમાન મામલે ચાલતા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને પૂણેની કોર્ટે આપ્યા જામીન

    વિનાયક સાવરકર (Veer Savarkar) વિશે અપમાનજનક ટિપ્પણી મામલે દાખલ કરવામાં આવેલા કેસમાં પુણેની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) જામીન આપ્યા છે. તેઓ શુક્રવારે (10 જાન્યુઆરી) વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કોર્ટે તેમને જામીન આપ્યા અને આગળ વ્યક્તિગત રીતે હાજર રહેવામાંથી પણ મુક્તિ આપી. 

    આ કેસ વીર સાવરકરના પ્રપૌત્ર સત્યકી સાવરકરે દાખલ કર્યો છે. તેમણે રાહુલ ગાંધી પર જાહેરસભામાં વીર સાવરકર વિશે ટિપ્પણીઓ કરીને ઇરાદાપૂર્વક તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. જે મામલે પૂણેની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. 

    કોર્ટે રાહુલ ગાંધીને ₹25,000ના બોન્ડ પર જામીન આપ્યા છે. ઉપરાંત, તેમની એ વિનંતી પણ માન્ય રાખવામાં આવી હતી, જેમાં આગળની સુનાવણીઓમાં રૂબરૂ હાજરી આપવામાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી. એક સ્થાનિક કોંગ્રેસી નેતા જ રાહુલ ગાંધીના જામીન બન્યા છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ રાહુલ ગાંધી અનેક માનહાનિના કેસોનો સામનો કરી ચૂક્યા છે. ભાષણોમાં તેઓ ઉશ્કેરાટમાં કશુંક બોલી નાખે છે અને ત્યારબાદ આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરવો પડે છે. મોદી સમુદાયનું અપમાન કરવા બદલ તેઓ દોષી પણ સાબિત થઈ ચૂક્યા છે.