કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલતા નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં બુધવારે (21 મે) કોર્ટે સુનાવણી હાથ ધરી. આ સુનાવણી EDની પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ પર કરવામાં આવી રહી છે.
સુનાવણી દરમિયાન EDએ કોર્ટને જણાવ્યું કે, લગભગ ₹2000 કરોડની સંપત્તિ સગેવગે કરવા માટે ગુનાહિત ષડ્યંત્ર રચીને નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા અને આ કેસમાં મની લોન્ડરિંગનો ગુનો સ્પષ્ટ દેખાય આવે છે.
ઉપરાંત, એજન્સીએ જણાવ્યું હતું કે, આ ગુનામાંથી જે પૈસા મળ્યા, તેમાંથી 142 કરોડ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે ગયા હતા. ED તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ જણાવ્યું કે, કેસમાં પ્રોસીડ ઑફ ક્રાઇમ (ગુનો આચરીને ઉપજાવેલા પૈસા) દેખાય આવે છે. મની લોન્ડરિંગ એ સતત ચાલતી પ્રક્રિયા છે. નવેમ્બર 2023માં સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી, ત્યાં સુધી આરોપીઓને આ સંપત્તિમાંથી ધનલાભ મળતો રહ્યો.
આ મામલે કોર્ટે આગામી 2થી 8 જુલાઈ સુધી દરરોજ સુનાવણી હાથ ધરવા માટે નિર્ણય કર્યો છે. પહેલાં કોર્ટ EDની દલીલો સાંભળશે અને ત્યારબાદ બચાવ પક્ષને સાંભળવામાં આવશે.