અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ વૈશ્વિક સમીકરણો પણ ધીમે-ધીમે બદલાવા માંડ્યાં છે. દરમ્યાન વિદેશી મીડિયાના અહેવાલો જણાવી રહ્યા છે કે કતારે હમાસને પોતાને ત્યાંથી રવાના થઈ જવા માટે જણાવી દીધું છે. અમેરિકાના દબાણ બાદ આ પગલું ભરવામાં આવ્યું હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.
કતારના દોહામાં છેલ્લાં લગભગ બારેક વર્ષથી હમાસના આતંકવાદી નેતાઓ રહે છે તે જગજાહેર છે. સીરિયામાં સિવિલ વૉર ફાટી નીકળ્યા બાદ આતંકવાદી સંગઠને તેનું હેડક્વાર્ટર દમાસ્કસમાંથી ખસેડી લીધું હતું. ઇઝરાયેલ દ્વારા માર્યો ગયેલો હમાસનો પૂર્વ ચીફ ઈસ્માઈલ હનીહ પણ દોહામાં જ રહેતો હતો.
ટાઈમ્સ ઑફ ઈઝરાયેલનો રિપોર્ટ જણાવે છે કે, અમેરિકાએ કતારની મદદથી હમાસ સાથે કોમ્યુનિકેશનની એક ચેનલ ખુલ્લી રાખી હતી, જેથી ઇઝરાયેલ સાથે યુદ્ધવિરામ કરવા માટે વાતચીત થઈ શકે. પરંતુ એક વર્ષના પ્રયાસ છતાં હમાસે યુદ્ધવિરામની કોઈ તૈયારી ન દર્શાવતાં આખરે અમેરિકાએ કતાર પર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું.
ગત 28 ઑક્ટોબરે કતારે હમાસના આતંકવાદીઓને કહી દીધું હતું કે તેઓ હવે દેશ છોડી દે. હવે તેઓ નવું ઠેકાણું ક્યાં બનાવશે તેની કોઈ જાણકારી નથી.