રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે અમેરિકાએ 30 દિવસના યુદ્ધવિરામની યોજના આપી હતી. જાણવા મળી રહ્યું છે કે, યુદ્ધવિરામના આ પ્રસ્તાવને રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું સમર્થન મળ્યું છે. જોકે, તેમણે શરતો પણ રાખી છે. આ પહેલાં યુક્રેને અમેરિકા સાથે વાત કરતા આ યોજનાને સહમતી આપી હતી.
ગુરુવારે (13 માર્ચ) મોસ્કોમાં યુદ્ધવિરામ પ્રસ્તાવ વિશે કહ્યું હતું કે, આ વિચાર સારો છે અને તેઓ તેનું સમર્થન કરે છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, કેટલાક પ્રશ્નો એવા પણ છે, જેની ચર્ચા કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, તેઓ અમેરિકી સમકક્ષ સાથે વાત કરશે અને આ વિશે ચર્ચા કરશે. તેમણે એવું પણ કહ્યું કે, 30 દિવસનો યુદ્ધવિરામ યુક્રેન માટે સારો સાબિત થશે.
વધુમાં તેમણે એક શરત મૂકી કે, વિવાદનો એક વિસ્તાર કુસ્ર્ક છે, જ્યાં યુક્રેને ગયા વર્ષે સૈન્ય ઘૂસણખોરી કરી હતી અને ઘણા વિસ્તારો પર કબજો કરી લીધો હતો. તેમણે દાવો કર્યો કે, રશિયાએ કુસ્ર્કને સંપૂર્ણપણે નિયંત્રણમાં લઈ લીધું છે. તેમણે શરત મૂકતાં કહ્યું કે, ત્યાં રહેલા યુક્રેની સૈનિકો પાસે માત્ર બે જ વિકલ્પ છે, કાં તો આત્મસમર્પણ અને કાં તો મોત. તે સિવાય તેમણે એવું પણ કહ્યું છે કે, યુદ્ધવિરામના 30 દિવસમાં યુક્રેન હથિયારો એકઠા ન કરે તેની પણ બાહેંધરી આપવાની રહેશે.
વધુમાં તેમણે અન્ય નાની-મોટી બાબતોને લઈને પણ વાત કરી હતી. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એવું કહ્યું છે કે, પુતિન સીધી રીતે ના નથી કહેતા પણ વ્યવહારમાં તેઓ અસ્વીકારની તૈયારી રાખી રહ્યા છે. જોકે, વધુમાં પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચાઈનાના રાષ્ટ્રપતિ, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે આ નેતાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, “આ મુદ્દા પર તેઓ ખૂબ સમય આપી રહ્યા હતા અને અમે તેમના આભારી છીએ. કારણ કે, તે તમામ લોકો શત્રુતાને રોકવા અને માનવીય હતાહતને રોકવાના મહાન હેતુ માટે કામ કરતા હતા.”