યુક્રેનમાં ચાલી રહેલી રશિયાની સૈન્ય કાર્યવાહી, જેને રશિયા-યુક્રેન યુદ્ધ પણ કહેવાય છે, હવે ત્રણ વર્ષ બાદ આખરે થંભી જશે તેવાં સમીકરણો સર્જાઈ રહ્યાં છે. જોકે આમાં મોટો આધાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શું નિર્ણય કરે તેની ઉપર રહેશે. અમેરિકાએ 30 દિવસના યુદ્ધવિરામ માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે યુક્રેને સ્વીકારી લીધો છે અને હવે બોલ રશિયાની કોર્ટમાં છે. પરંતુ અહેવાલો જણાવી રહ્યા છે કે રશિયાએ આ પ્રસ્તાવ પર વિચાર કરવા પહેલાં બે શરતો મૂકી છે.
વિદેશી સમાચાર એજન્સી રૉયટર્સે ઘટનાક્રમથી પરિચિત ‘સૂત્રો’ને ટાંકીને આ જાણકારી આપી છે. જોકે રશિયાએ ચોક્કસ કઈ શરતો મૂકી છે એ રૉયટર્સને પણ ખબર નથી પરંતુ કહેવાય રહ્યું છે કે આ માંગ એ જ છે કે ઘણાં વર્ષોથી રશિયા કરતું આવ્યું છે.
આ કિસ્સામાં શરતો એ હોય શકે કે યુક્રેનને NATOમાં સમાવેશિત કરવામાં ન આવે અને યુક્રેન અને રશિયાની સરહદ પર કોઈ વિદેશી સૈન્ય ખડકવામાં ન આવે. બીજી શરત એવી છે કે રશિયાએ 2014માં જે ક્રિમીયાનો ભાગ હસ્તગત કરી લીધો હતો તે અને અન્ય ચારેક પ્રાંતોને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનને NATOમાં સામેલ કરવાની તજવીજના કારણે જ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો હતો. કારણ કે રશિયા ઇચ્છતું નથી કે NATO એટલે કે પશ્ચિમી દેશોનું સૈન્ય તેની સરહદો પર આવીને ઊભું રહી જાય, તેનાથી તેને કાયમી જોખમ ઊભું થશે.