Monday, June 23, 2025
More

    અમૃતસરના મજીઠા રોડ પર ચોરીછૂપેથી વિસ્ફોટક લઈ જઈ રહ્યો હતો બબ્બર ખાલસાનો આતંકી, બ્લાસ્ટ થતા ઉડી ગયા ચીથરાં: ISI લિંક હોવાની શંકા સાથે તપાસ શરૂ

    27 મેના રોજ પંજાબના (Punjab) અમૃતસરમાં મજીઠા રોડ બાયપાસ (Majitha road, Amritsar) પર રહેણાંક વસાહતમાં ખાલી પ્લોટમાં એક જોરદાર બ્લાસ્ટ (Blast) થયો હતો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું જે આતંકી સંગઠન સાથે જોડાયેલો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વિસ્ફોટમાં વ્યક્તિએ પોતાના બંને હાથ ગુમાવ્યા હતા.

    અહેવાલ અનુસાર 27 મેની સવારે 9:30 વાગ્યાની આસપાસ આ વિસ્ફોટ થયો હતો. જેનો અવાજ સાંભળીને સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પ્રારંભિક તપાસમાં પોલીસે આ શખ્સ એક ભંગારનો વેપારી હોઈ શકે છે, જેણે જૂના બોમ્બને ડિસમેન્ટલ કરવાનો પ્રયાસ કર્યો હશે એવું માનીને ગેંગસ્ટર કે આતંકવાદી સંડોવણીની શક્યતા નકારી હતી.

    જોકે, બાદમાં આતંકી હુમલાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ મામલે અમૃતસર ગ્રામીણના એસએસપી મનિન્દર સિંઘે જણાવ્યું હતું કે પોલીસ પહેલાંથી જ તે વ્યક્તિને શોધી રહી હતી, જે આ વિસ્ફોટમાં ઘાયલ થયા બાદ મૃત્યુ પામ્યો હતો.

    અહેવાલ અનુસાર, પોલીસને શંકા છે કે મૃતક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા, અને પાકિસ્તાનની ISI સાથે સંકળાયેલો હોઈ શકે છે. અમૃતસર ગ્રામીણના SSP મનિન્દર સિંઘે જણાવ્યું કે પોલીસ આ શખ્સની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. તપાસમાં આ ઘટનાને આતંકવાદી હુમલા તરીકે જોવામાં આવી રહી છે અને વધુ ખુલાસા માટે ફોરેન્સિક તપાસ ચાલુ છે.