બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં અનુભવી વિકેટકીપર-બેટ્સમેન લિટન દાસનો સમાવેશ ન થવા પર વિવાદ વધી રહ્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ (Basit Ali) તેને લિટન સામે ‘ધાર્મિક ભેદભાવ’ ગણાવ્યો.
બાસિતે કહ્યું, “લિટનને કયા આધારે બહાર કરવામાં આવ્યા છે? તેમણે તાજેતરમાં જ સદી ફટકારી છે. પરંતુ તેમને ફક્ત એટલા માટે હટાવવામાં આવ્યા કારણ કે, તેઓ બિન-મુસ્લિમ હતા. આ લિટન સાથે મોટો અન્યાય છે.”
54 વર્ષીય બાસિતે એવું પણ કહ્યું હતું કે, બાંગ્લાદેશ ટીમ લિટન દાસ વિના અધૂરી છે. તેમણે BCB પ્રમુખ સમક્ષ આ નિર્ણય પર સવાલ ઉઠાવવાની પણ વાત કરી હતી. બાસિતના આરોપોએ ફરી એકવાર બાંગ્લાદેશ ક્રિકેટમાં ધાર્મિક ભેદભાવના મુદ્દાને વિવાદોમાં લાવી દીધો છે.
જોકે, આ મામલે હજુ સુધી લિટનની કોઈ તીક્ષ્ણ પ્રતિક્રિયા આવી નથી. તેમણે શાંતિપૂર્વક રીતે તેમની પ્રતિક્રિયા આપી અને આ નિર્ણયને સ્વીકારી લીધો હતો. તથા કહ્યું હતું કે, તે ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે. નોંધનીય છે કે, લિટન દાસે તાજેતરમાં જ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં 55 બોલમાં 125 રનની ઇનિંગ રમી હતી.