ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન પીટી જાડેજાની અટકાયત થઈ હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, રાજકોટ શહેર પોલીસે તેમની અટકાયત કરી છે અને પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટે તજવીજ હાથ ધરી છે. હાલ આ મામલે પોલીસે તેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે દિવસ પહેલાં રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી કરવાને લઈને પીટી જાડેજાએ ધમકી આપી હતી. તેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. જે બાદ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને પાસા હેઠળ પીટી જાડેજાની અટકાયત કરી લીધી હતી. હાલ તેમને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, ફરિયાદી જસ્મિન મકવાણાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પીટી.જાડેજાએ મહાઆરતીનું અયોજન થશે તો પોતે તલવાર સાથે મંદિરની બહાર ઉભા રહેશે અને મંદિરને તાળું મારી દેશે તેવી પણ ધમકી આપી હતી. ‘કાલે આરતી કરી તો લોહિયાળ ક્રાંતિ થશે, હું મંદિરમાં તાળું મારી દઈશ અને તું તો મંદિરમાં આવતો જ નહીં’– આવી ધમકીઓ ફોન પર આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
ઉપરાંત મંદિરમાં મહાઆરતીના આયોજન વિશે જાણ કરતાં બેનરો પણ ફાડી નાખવામાં આવ્યાં હોવાનો પણ આરોપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો હતો. જાડેજા અગાઉ મંદિરના ટ્રસ્ટી હતા તેવું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું હતું.