20 જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના (America) પોતાના નવા રાષ્ટ્રપતિ (President) મળી ચૂક્યા છે. નવનિર્વાચીત ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. આ સમારોહમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકરની સાથે દુનિયાભરના અનેક નેતાઓ સામેલ થયા હતા. શપથગ્રહણ પૂર્ણ થયા બાદ હવે તરત જ બાંગ્લાદેશી (Bangladesh) અને પાકિસ્તાની (Pakistan) હિંદુઓના (Hindus) રક્ષણ માટેની કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે.
શયાન કૃષ્ણા નામના એક નાગરિકે ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રહેતા હિંદુઓના રક્ષણની માંગણી કરી છે. આ પત્રની સાથે 5000 અન્ય નાગરિકોના હસ્તાક્ષર પર લેવામાં આવ્યા છે. પત્રમાં સૌપ્રથમ તો ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનવા માટે શુભકામનાઓ આપવામાં આવી છે.

જે બાદ લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં હિંદુઓ અને ખ્રિસ્તીઓ પર હિંસા આચરવામાં આવી રહી છે અને આ જ વસ્તુ બાંગ્લાદેશમાં પણ થઈ રહી છે. વધુમાં કહેવાયું છે કે, લઘુમતીઓનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે અને જો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો તેના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.