Thursday, July 3, 2025
More

    ઈરાનનાં પરમાણુ ઠેકાણાં નષ્ટ કરવાનું વચન પાળ્યું, ઇઝરાયેલના ઇતિહાસની અભૂતપૂર્વ ઉપલબ્ધિ: અમેરિકાના ઑપરેશન બાદ નેતન્યાહુ

    ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં હવે અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે. અમેરિકી સેનાએ IDF સાથેના સંકલનમાં ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાં પર હુમલો કરીને તેને તબાહ કરી નાખ્યા છે. અમેરિકાનું ઑપરેશન પૂર્ણ થયા બાદ તરત જ ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પોતાના નાગરિકોને સંબોધીને કહ્યું છે કે, તેમણે આપેલું વચન પૂરું થયું છે. 

    તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડીયો પોસ્ટ કરીને કહ્યું છે કે, “ઇઝરાયેલના પ્રિય નાગરિકો, મારા ભાઈઓ અને બહેનો. ‘ઑપરેશન અમ કલાવી’માં આપણે સાથે મળીને ઇઝરાયેલના ઇતિહાસમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. તમને યાદ હશે કે, ઑપરેશનની શરૂઆતમાં મે તમને વચન આપ્યું હતું કે, ઈરાનના પરમાણુ કાર્યક્રમ કોઈપણ રીતે નષ્ટ કરવામાં આવશે. તે વચન પૂરું થયું.” 

    તેમણે વધુમાં કહ્યું કે, “થોડા સમય પહેલાં મારા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના પૂર્ણ સમન્વયમાં અને IDF અને સંયુક્ત રાજ્ય અમેરિકાની સેનાના વચ્ચેના પૂર્ણ સંકલનમાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાં ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફ્હાન પર હુમલો કર્યો છે. આવું કરીને અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર IDF અને મોસાદના હુમલાને વધુ તીવ્રતા અને તાકાત સાથે જારી રાખ્યા છે.” 

    તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ પરમાણુ કાર્યક્રમે આપણાં અસ્તિત્વને અને આખી દુનિયાની શાંતિને જોખમમાં નાખી દીધી હતી. ઑપરેશન પૂરું થયા બાદ તરત જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે મને ફોન કર્યો હતો. તે ખૂબ જ ઉત્સાહિત અને માર્મિક વાતચીત હતી.”