Tuesday, February 25, 2025
More

    ‘ડિપોર્ટેશન પ્રક્રિયા કાંઈ નવી નથી’: અમેરિકા દ્વારા 104 ભારતીયોને પાછા મોકલવા પર એસ જયશંકરે રાજ્ય સભામાં આપ્યો જવાબ

    ગુરુવારે બપોરે રાજ્યસભામાં (Rajya Sabha) વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar) જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને (illegal migrants) દેશનિકાલ (Deportation) કરવાની પ્રક્રિયા નવી નથી પરંતુ તે ઘણા વર્ષોથી ચાલી રહી છે. વોશિંગ્ટન, ડી.સી. દ્વારા દેશનિકાલ કરાયેલા લોકો સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું તેના પર વિપક્ષની તીવ્ર ટીકા વચ્ચે તેમણે આ વાત કહી છે.

    એસ જયશંકર, કે જેમનું નિવેદન વિપક્ષ દ્વારા માંગવામાં આવ્યું હતું, તેમણે બોલતા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. તેમણે દર વર્ષે સેંકડો ભારતીયોને ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવા અથવા રહેવા બદલ દેશનિકાલ કરવામાં આવતા હોવા તરફ ધ્યાન દોર્યું. આ સંખ્યા 2012માં 530થી અને 2019માં 2,000થી વધુ હતી.

    “કાયદેસર ગતિશીલતાને પ્રોત્સાહન આપવું અને ગેરકાયદેસર હિલચાલનો વિરોધ કરવો એ આપણા સામૂહિક હિતમાં છે. જો તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું જાણવા મળે તો તેમને પાછા લેવાની જવાબદારી બધા દેશોની છે.”

    “તેથી, (યુએસ દ્વારા) દેશનિકાલની પ્રક્રિયા નવી નથી… તે વર્ષોથી ચાલી રહી છે. તે ફક્ત એક દેશને લાગુ પડતી નીતિ નથી. આપણું ધ્યાન ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવા પર હોવું જોઈએ,” તેમણે કહ્યું, અને એ પણ સ્વીકાર્યું કે, “અમે યુએસ સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ જેથી ખાતરી કરી શકાય કે ડિપોર્ટીઓ સાથે દુર્વ્યવહાર ન થાય.”