Tuesday, June 24, 2025
More

    ‘સુખથી જીવો અને રોટી ખાઓ, નહીં તો મારી ગોળી તો છે જ’: કચ્છથી PM મોદીનો પાકિસ્તાનને સંદેશ, કહ્યું- ઑપરેશન સિંદૂર આતંકવાદના અંતનું મિશન

    ઑપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત PM મોદી ગુજરાતના પ્રવાસ પર છે. વડોદરા, દાહોદ બાદ હવે તેઓ કચ્છ પહોંચ્યા છે. ભુજમાં તેમણે એરપોર્ટથી સભાસ્થળ સુધી રોડ શો યોજ્યો હતો. અહીં રાજ્યભરના ₹53,414 કરોડના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. બાદમાં કચ્છી બોલીમાં વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત કરી હતી.

    આ ઉપરાંત 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના બૉમ્બથી તબાહ થયેલા રન-વે ફરીથી બેઠો કરનારી વીરાંગનાઓ સાથે પણ PM મોદીએ સમય વિતાવ્યો છે. વીરાંગનાઓએ વડાપ્રધાનના ઓવારણાં પણ લીધા છે. આ દરમિયાન વડાપ્રધાને સંબોધન કરતા કહ્યું છે કે, ઑપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે. તેમણે કહ્યું કે, “આપણે અહીં બેઠા-બેઠા આતંકવાદીઓના ઠેકાણાંને માટીમાં ભેળવી શકીએ છીએ.”

    આ દરમિયાન તેમણે રણોત્સવની સાથે માંડવી બીચ ઉત્સવ ઉજવવાની પણ અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે કચ્છના અને તેમના સંબંધો વિશે પણ વાત કરી હતી. વધુમાં તેમણે નવા ભારતમાં આવેલા પરિવર્તનો વિશે પણ વાત કરી હતી. આ ઉપરાંત તેમણે પાકિસ્તાનને પૂછ્યું છે કે, તેમને દરદર ભટકવા માટે મજબૂર કોણે કર્યા છે?