સોમનાથ મંદિર નજીક નવા રામ મંદિર પાસે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી શનિવારે (22 માર્ચ) શરૂ કરી દેવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની કુલ 34,644 ચોરસ ફૂટ પ્રતિવાદીત જમીનમાં આવેલા 40થી વધુ રહેણાંક મકાનમાં 150 જેટલા લોકો વસવાટ કરતા હતા.
સાથે એ પણ નોંધનીય છે કે, વર્ષ 2003માં આ મામલે વેરાવળ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેને લઈને 2018માં કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કોર્ટે વિવાદાસ્પદ જમીન ખાલી કરવાનો હુકમ પણ કર્યો હતો. જોકે, તેમ છતાં દબાણકારો દ્વારા જગ્યા ખાલી કરાવાઈ નહોતી.
વારંવાર નોટિસો છતાં જમીન ખાલી કરવા કોઈ કવાયત હાથ ધરવામાં આવી રહી નહોતી. જે બાદ આખરે કોર્ટ કમિશનર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં વેરાવળ ડેપ્યુટી કલેકટર વિનોદ જોશી, મામલતદાર શામળા, ચીફ ઓફિસર પાર્થિવ પરમાર અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા હાજર રહ્યા હતા.