Sunday, March 16, 2025
More

    ‘બાંગ્લાદેશનો મુદ્દો હું પીએમ મોદી પર છોડી રહ્યો છું’: દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન પૂછાયો સવાલ તો ટ્રમ્પે આપ્યો આ જવાબ

    ગુરુવારે (13 ફેબ્રુઆરી) મધ્ય રાત્રિએ (ભારતીય સમય અનુસાર) અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ. દરમ્યાન બંને નેતાઓએ અનેક મુદ્દે વાતચીત કરી અને પ્રેસના સવાલોના પણ જવાબ આપ્યા. જ્યાં પાડોશી દેશ બાંગ્લાદેશનો મુદ્દો પણ ઉઠ્યો. 

    પ્રેસ કૉન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, બાંગ્લાદેશમાં તાજેતરમાં સત્તાપલટો થયો છે અને તેમાં અમેરિકન ડીપ સ્ટેટ સંડોવાયેલું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉપરાંત, વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે જ્યોર્જ સોરોસના પુત્ર સાથે પણ મુલાકાત કરી હતી, એ બાબતે તેમનું શું કહેવું છે. 

    જવાબમાં ટ્રમ્પે ડીપ સ્ટેટવાળો મુદ્દો નકારી દીધો હતો અને ત્યારબાદ કહ્યું કે, આ બાબત તેઓ વડાપ્રધાન મોદી પર છોડી રહ્યા છે. 

    ટ્રમ્પે કહ્યું, “અમારા ડીપ સ્ટેટની આમાં કોઈ ભૂમિકા ન હતી. આ એવો વિષય છે જેની ઉપર વડાપ્રધાન (મોદી) ઘણા સમયથી કામ કરી રહ્યા છે. તેઓ વર્ષોથી આ મુદ્દે કામ કરી રહ્યા છે. એટલે હું બાંગ્લાદેશ વડાપ્રધાન (મોદી) પર છોડી રહ્યો છું.”

    ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં કથિત વિદ્યાર્થી આંદોલનની આડમાં સત્તા પલટાઈ ત્યારથી જ તેમાં અમેરિકન સરકાર (બાયડન વખતની) કે ડીપ સ્ટેટનો હાથ હોય તેવું માનવામાં આવી રહ્યું હતું. જોકે ટ્રમ્પનો મત આમાં અલગ છે.