હાલ ચાલતી FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024માં (World Chess Championship 2024) ભારતીય ખેલાડી ડી ગુકેશે (D Gukesh) ઇતિહાસ રચ્યો છે. તેમણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ચેસ માસ્ટર ડિંગ લિરેનને હરાવીને આ ખિતાબ મેળવ્યો છે. જે બાદ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રમતગમત ક્ષેત્રના મંત્રી મનસુખ માંડવિયા અને અન્ય નેતાઓએ તેમને શુભકામનાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ X પર કહ્યું કે, “વિશ્વ શતરંજ ચેમ્પિયનશિપ જીતનારા સૌથી ઓછી વયના ખેલાડી બનવા પર ગુકેશને હાર્દિક શુભકામનાઓ. તેમણે ભારતને ગૌરવાંતિત કર્યું છે. તેમની જીતે ચેસની મહાશક્તિ તરીકે ભારતને મજબૂત કર્યું છે.”
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ગુકેશની જીતને ‘ઐતિહાસિક અને અનુકરણીય’ ગણાવી છે. તેમને લખ્યું કે, “ગુકેશ ડીને તેમની નોંધપાત્ર ઉપલબ્ધિ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આ તેમની અદ્વિતીય પ્રતિભા, સખત મહેનત અને અતૂટ દ્રઢ સંકલ્પનું પરિણામ છે. તેમની જીતે ન માત્ર શતરંજના ઇતિહાસમાં તેમનું નામ નોંધાવ્યું, પરંતુ લાખો લોકોને મોટા સપના જોવા માટે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા.”