Friday, March 7, 2025
More

    ઇસ્લામિક રાષ્ટ્રો માટે કપરાં ચઢાણ, પાકિસ્તાનીઓ-અફઘાનીઓ નહીં જઈ શકે અમેરિકા: US રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોટો નિર્ણય લે એવા અણસાર

    બીજી વાર અમેરિકાના (America) રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) મોટા બદલાવ કરી રહ્યા છે. સામે આવેલ માહિતી અનુસાર હવે ટ્રમ્પ પાકિસ્તાન (Pakistanis) અને અફઘાનિસ્તાનના (Afghani) લોકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ (Travel Ban) મૂકી શકે છે. તેઓ સુરક્ષા અને તપાસના જોખમોને કારણે બંને દેશો પર યાત્રા પ્રતિબંધ લાદવાની યોજના બનાવી રહ્યા છે.

    રોઇટર્સના અહેવાલ મુજબ, આ પ્રતિબંધ આવતા અઠવાડિયાની શરૂઆતમાં અમલમાં આવી શકે છે. આ અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે દેશોની સુરક્ષા અને તપાસના જોખમોની સરકારી સમીક્ષાના આધારે મુસાફરી પ્રતિબંધ માટે એક યાદી તૈયાર કરી છે. આ યાદીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું નામ પણ હોઈ શકે છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ એક આદેશ જારી કર્યો હતો. ટ્રમ્પના આ આદેશથી અમેરિકામાં પ્રવેશતા વિદેશી લોકો માટે તપાસ પ્રક્રિયા કડક થઈ ગઈ છે. ત્યારે હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના પ્રવાસીઓ પર પણ પ્રતિબંધ લાદી શકાય એવી સંભાવનાઓ છે.

    નોંધનીય છે કે આ પહેલાં પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇસ્લામિક રાષ્ટ્રો પર ટ્રાવેલ બેન લગાવ્યો હતો. તેમણે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન 7 ઇસ્લામિક રાષ્ટ્રો પર પ્રતિબંધ લાદ્યો હતો.