Thursday, January 23, 2025
More

    પ્રયાગરાજ મહાકુંભ: અત્યાર સુધીમાં 9.73 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમ ખાતે લગાવી ડૂબકી

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને રાજ્ય સરકારે અગત્યની માહિતી આપી છે. જે અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 9.73 કરોડ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી ચૂક્યા છે. 

    રાજ્ય સરકારે જણાવ્યા અનુસાર, ગુરુવારે (23 જાન્યુઆરી) 23.22 લાખ ભક્તોએ પવિત્ર સંગમ ખાતે ડૂબકી લગાવી. 

    નોંધવું જોઈએ કે 144 વર્ષ બાદ યોજાઈ રહેલા આ ભવ્ય અને દિવ્ય મહાકુંભમાં દેશવિદેશથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. પ્રથમ દિવસે જ કરોડો સનાતનીઓએ પવિત્ર સ્નાન કર્યું હતું અને શુભારંભ કરાવ્યો હતો. કુંભમાં દેશભરમાંથી હિંદુ સાધુઓ પણ આવ્યા છે. 

    દરમ્યાન, બુધવારે (22 જાન્યુઆરી) ઉત્તર પ્રદેશ સરકાર પણ પ્રયાગરાજ પહોંચી હતી અને અહીં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અનેક અગત્યના નિર્ણયો ઉપર મહોર મારવામાં આવી, જેમાં પ્રયાગરાજ માટે પણ મહત્ત્વની ઘોષણાઓ કરવામાં આવી. 

    કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેબિનેટ મંત્રીઓ તેમજ UP સરકારના ઉચ્ચ અધિકારીઓ ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા અને પવિત્ર ડૂબકી લગાવી હતી. વડાપ્રધાન મોદી પણ ફેબ્રુઆરીના આરંભમાં મહાકુંભ જઈ શકે તેવા અહેવાલો મળ્યા છે.