જન સૂરજ રાજકીય પાર્ટીના સ્થાપક અને ભૂતપૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) કોમેડિયન કુણાલ કામરાનું (Kunal Kamra) સમર્થન કર્યું છે. કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહ્યા હતા. કિશોરે કહ્યું કે કામરાની કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી કે તેણે કોઈ ખરાબ ઈરાદાથી કંઈ કહ્યું નથી.
બિહારના કટિહારમાં પત્રકારો સાથે વાત કરતા પ્રશાંત કિશોરે આ નિવેદન આપ્યું હતું. તેમણે કામરાને તેમનો મિત્ર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જ્યાં સુધી હું તેને જાણું છું, તેનો કોઈ ખરાબ ઈરાદો નથી. જે લોકો માને છે કે તે રાજકારણ કરી રહ્યો છે – તેઓ આવું કંઈ કરશે નહીં.”
તેમણે આગળ કહ્યું કે, “તે ઓર્ગેનિક ખેતી કરે છે. તે સ્ટેન્ડ-અપ-કોમેડી પણ કરે છે. તેની કોઈ રાજકીય દુશ્મનાવટ નથી. તે એવા લોકોમાંનો એક છે જે પોતાના દેશને પ્રેમ કરે છે. તેણે કદાચ પોતાના શબ્દો ખોટી રીતે પસંદ કર્યા હશે. જો તેણે આવું કર્યું હોય, તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. પરંતુ હું એવું કહું છું કે તેને દેશ અને તેના બંધારણ પ્રત્યે આદર છે.”
નોંધનીય છે કે આ એકનાથ શિંદે પરની ટિપ્પણીના કારણે કુણાલને ખાર પોલીસ સ્ટેશને 2 સમન્સ પાઠવ્યા હતા. તેણે ધરપકડથી બચવા માટે મદ્રાસ હાઇકોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા. 28 માર્ચે કામરાને આગોતરા જામીન મળી ગયા હતા.