કોલકાતા રેપ કેસ મામલે પોલીસે લૉ કોલેજના સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી લીધી છે, જેની સાથે ધરપકડનો આંકડો ચાર પર પહોંચ્યો છે. આ પહેલાં મુખ્ય આરોપી મનોજીત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જી એમ ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જેમાંથી મુખ્ય આરોપી મિશ્રા TMCનો નેતા છે.
મનોજીત મિશ્રા TMCની વિદ્યાર્થી શાખા સાથે સંકળાયેલો રહ્યો છે અને પાર્ટીના અનેક મોટા નેતાઓ સાથે તેની તસવીરો પણ ફરતી થઈ છે. 2022માં તેણે આ જ કોલેજમાંથી લૉની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તે સ્ટાફ તરીકે પરત ફર્યો હતો.
બાકીના બે આરોપીઓ પ્રમિત અને ઝૈબ 19 અને 20 વર્ષની ઉંમરના છે અને પહેલા અને બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. બંને મિશ્રાના નજીકના માણસો હોવાનું અનુમાન છે.
તમામની ધરપકડ બાદ પોલીસ વધુ તપાસ કરી રહી છે. પહેલાં પકડાયેલા ત્રણ આરોપીઓની 1 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી મંજૂર કરવામાં આવી ચૂકી છે. બીજી તરફ પીડિતા સાથે રેપ થયો હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે.