Tuesday, February 4, 2025
More

    ‘આયુષ્માન યોજનાથી કેન્સરની સારવાર થઈ મફત, પ્રધાનમંત્રીનો ધન્યવાદ કરું છું’: અમદાવાદના PMJAYના લાભાર્થીઓ

    આજે વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) છે. કેન્સર જેવી ઘાતક બિમારીથી પીડાતા કેટલાય લોકોનું દર વર્ષે મૃત્યુ થતું હોય છે, તેનું મહત્વનું કારણ એક એ પણ છે કે તેના નિદાનથી લઈને સારવાર સુધીનો ખર્ચ સામાન્ય લોકોને પરવડી શકે એવો હોતો નથી. પરંતુ ભારતમાં PMJAY યોજનાના લાભના પગલે કેન્સર સહિતની બીમારીઓની સારવાર ખૂબ સરળ બની છે. જેના ઉદાહરણ અમદાવાદથી (Ahmedabad) પણ સામે આવ્યા છે.

    ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કેન્સરના દર્દી જ્યોતિ અમિત કુમાર શાહે કહ્યું હતું કે, “પહેલાં હું પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી રહી હતી, ત્યાં મારું ઓપરેશન પણ કરવામાં આવ્યું, જે સફળ ગયું નહોતું. પરંતુ મને કોઈકે આ યોજનાની માહિતી આપી અને મને PMJAYનો લાભ મળ્યો. અત્યારે મને નિ:શુલ્ક સેવા મળી રહી છે. હું ગૃહિણી છું અને મારા પતિની આવક એટલી બધી નથી, હું પ્રધાનમંત્રીને ધન્યવાદ આપું છું કે મારો ઈલાજ મફતમાં થયો.”

    અન્ય એક દર્દી વિવેક સિંઘએ જણાવ્યું હતું કે “પહેલાં મેં એક ખાનગી હોસ્પિટલમાં મારી તપાસ કરાવી, પણ કોઈ પરિણામ ન મળ્યું. ત્યારે હું અહીં આવ્યો અને PMJAY યોજનાનો લાભ લીધો અને હવે હું સ્વસ્થ છું. મેં ખાનગી હોસ્પિટલમાં લાખો ખર્ચ કર્યા હતા.”

    નોંધનીય છે કે PMJAY એટલે કે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને સારવાર સુધી પ્રતિ પરિવાર ₹5 લાખ પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાના લગભગ 50 કરોડ લાભાર્થીઓ છે.