Tuesday, March 18, 2025
More

    ‘ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને વળગી રહેલા કરોડો લોકો માટે આજનો દિવસ વિશેષ’: PM મોદીએ પ્રયાગ મહાકુંભની આપી શુભકામનાઓ

    PM મોદીએ (PM Modi) સોમવારે (13 જાન્યુઆરી) પ્રયાગરાજમાં (Prayagraj) શરૂ થયેલા મહાકુંભ (Mahakumbh) મહાપર્વની શુભકામનાઓ આપી છે. તેમણે આ પર્વને ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને વળગી રહેનારા કરોડો લોકો માટેનો એક વિશેષ દિવસ ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે મહાકુંભ મેળાની શુભેચ્છાઓ આપી હતી.

    X પોસ્ટ કરીને PM મોદીએ કહ્યું કે, “ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને વળગી રહેનારા કરોડો લોકો માટે આ દિવસ ખૂબ વિશેષ છે. મહાકુંભ 2025 પ્રયાગરાજમાં શરૂ થઈ રહ્યો છે, જે આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિના પવિત્ર સંગમમાં અગણિત લોકોને એક સાથે લાવે છે. મહાકુંભ ભારતના કાલાતીત આધ્યાત્મિક વારસાનું પ્રતિક છે અને આસ્થા અને સદભાવનો એક ઉત્સવ છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “હું એ જોઈને ખુશીની લાગણી અનુભવી રહ્યો છું કે, પ્રયાગરાજ અગણિત લોકોથી ભરાઈ ઉઠ્યું છે, જે ત્યાં જઈ રહ્યા છે, પવિત્ર સ્નાન કરી રહ્યા છે અને આશીર્વાદ માંગી રહ્યા છે.” અંતમાં તેમણે કહ્યું કે, તમામ તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓને શાનદાર યાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ.